Monday, January 28, 2013

૫૦ વર્ષનું થયું 'એય મેરે વતન કે લોગોં...'


ભારત-ચીન યુદ્ધ બાદ પ્રદીપે આ દેશભક્તિનું ગીત લખ્યું હતું
જે ગીતને સાંભળીને ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આંખો ભરાઈ આવી હતી તે ભારતનાં સૂરસમ્રાજ્ઞા લતા મંગેશકરે ગાયેલું ગીત દેશભક્તિ ગીત 'એય મેરે વતન કે લોગોં...'ને આ વર્ષે પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ બાદ આ ગીતે દેશભક્તોનું મનોબળ વધારવાનું કામ કર્યું હતું. દેશભક્તિના દરેક પ્રસંગે તે ગાવામાં કે વગાડવામાં આવે છે. હિન્દી સાહિત્યના દિગ્ગજ કવિ પ્રદીપ દ્વારા લખાયેલાં આ ગીતે ભારતીય એકતા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
રાષ્ટ્રગીતની જેમ જ આ ગીતને આજે પણ ગાવામાં આવે છે. ૧૯૬૩માં ૨૭મી જાન્યુઆરીની સાંજે રાજધાની દિલ્હીનાં નેશનલ સ્ટેડિયમમાં જ્યારે લતા મંગેશકરે આ ગીત ગાયું હતું ત્યારે ત્યાં હાજર હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ ગીત યુદ્ધના નાયકો અને શહીદો માટે એક શ્રદ્ધાંજલિ છે.
આજે પણ રૂંવાડાં ઊભાં કરી દેનારું આ ગીત જ્યારે પહેલી વાર ગવાયું ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણન,વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તથા તમામ કેબિનટપ્રધાનો સહિત દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેન્દ્રકુમાર, ગાયક મહમ્મદ રફી, હેમંતકુમાર જેવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ વખતના દિગ્ગજો પણ હાજર હતા, પરંતુ પ્રદીપને આમંત્રિત નહોતા કરાયા, જોકે નેહરુ ત્રણ મહિના પછી ૨૧મી માર્ચ, ૧૯૬૩ના રોજ મુંબઈ ગયા તો, આર. એમ. હાઈસ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રદીપે નેહરુ માટે ગીત ગાયું હતું અને કવિતાની હાથથી લખેલી નકલ તેમને ભેટ આપી હતી.
માહિમ બીચ પર લટાર મારતાં ગીતના બોલ લખાયા
પ્રદીપ પણ દરેક ભારતીયની જેમ ૧૯૬૨ના પરાજયથી નિરાશ હતા, એક દિવસ મુંબઈના માહિમ બીચ પર તેઓ લટાર મારવા નીકળ્યા ત્યારે તેમનાં મનમાં આ ગીતના પહેલા શબ્દો આવ્યા હતા. તેમણે તેમના મિત્રની પેન માગી, સિગારેટના બોક્સમાંથી કાગળ કાઢીને તેનાં પર લખી લીધું હતું 'યે મેરે વતન કે લોગોં, આંખો મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી, જરા યાદ કરો કુરબાની.'